ખેતીમાં નકામા પાણી (વેસ્ટ વોટર) નો ઉપયોગ

ભારતમાં વસ્તીનું ભારણ વધતુ જાય છે તેની સાથોસાથ ઔધોગિકરણ તથા શહેરીકરણ પણ વધતુ જાય છે. ખાસ કરીને સુકા અને અર્ધસુકા વિસ્તારોમા સારી ગુણવત્તા ધરાવતા પીવાના પાણીની અછતવર્તાય છે. આ જોતા મ્યુનિસિપલ અને ઔધોગિક વિસ્તારોમાં વહેતુ નકામુ પાણી (વેસ્ટ વોટર) જો ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે તે ઘણું અગત્યનું છે. આવા નકામાં પાણીનો ઉપયોગ ખેતીમાં પિયત તરીકે કરવો એ કોઇ નવી બાબત નથી. આવા નકામા પાણીનો આર્થિક  રીતે તેમજ પર્યાવરણની રીતે ઉપયોગ થાય તે અગત્યનું છે કે જેથી જળ પ્રદુષણના પ્રશ્ર્નો ઉપસ્થિત ન થાય અને તેની સાથોસાથ કિંમતી પાણીના સ્ત્રોતનું રક્ષણ કરી શકાય અને તેમાં રહેલા પોષકતત્વોના લાભ ખેતીપાકોને મળી શકે.

આવું નકામું પાણી આર્સેનિક, ક્રોમિયમ, તાંબુ, સીસુ, પારો, જસત વગેરે જેવા અકાર્બનિક પદાર્થો,ઝેરી કાર્બનિક પદાર્થો અને રોગ પ્રેરકો તથા સૂક્ષ્મજીવાણુંઓ ધરાવતું હોય છે જેનુ પ્રમાણ જે તે વિસ્તાર અને ક્ષાર પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. આવા કાર્બનિક પદાર્થોની જમીનની ભોતિક, રાસાયણીક અને જૈવિક પરિસ્થિતિ ઉપર ખરાબ અસર થવા પામે છે જેને પરીણામે ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મેળવી શકતું નથી. આવા પાણીમાં રહેલા હેલમિન્થસ,એન્ટ્રીક, બેકટરીયા, વાયરસ અને ભારે ધતુઓને લિધે માનવ સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે. જેનો ભોગ મુખ્યત્વે ખેતમજૂરો અને તેના કુટુંબીજનો, પાક ઉગાડનાર ખેડૂતો અને જે તે વિસ્તારમાં લોકો બને છે. આ હેતુથી નિયમિત રીતે જમીનમાંના ક્ષારનું પ્રમાણ અને અન્ય ઝેરી પદાર્થોના પ્રમાણની ચકાસણી કરવી જરૂરી બને છે. આવા પ્રશ્નો નિરાકરણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા(‌WHO) ના જણાવ્યાં પ્રમાણે પાણીને માવજત કર્યા બાદ વપરાશમાં લેવું જોઇએ કે જેથી નકામાં પાણીને માવજત આપ્યા બાદ નુકસાનકારક અસર ઘટતાં તેનો ખેતીમાં પિયત તરીકે ઉપયોગ કરી શકાય છે. ઉપરોક્ત માવજત અંગેની ઉપલબ્ધ ટેક્નોલોજીનો ઉપયોગ કરી નકામાં પાણીમાં રહેલ ક્ષારો અને ધાતુઓ દૂર કરી શકાય છે અને આવા દૂર કરેલ બગાડનો સલામતપણે નિકાલ કરી માવજત બાદ મળતા પાણીનો પિયત તરીકે સલામત રીતે વાપરી શકાય છે.

૧. કેમિકલ કોએગ્યુલેશન, ફ્લોક્યુલેશન અને સેડિમેન્ટેશન : આ પ્રક્રિયા દ્વારા કેટલાક ઝેરી પદાર્થોમાં ઘટાડો થાય છે.

૨. ગાળણપ્રક્રિયા (ફિલ્ટરેશન)

૩. એર સ્ટ્રીપીંગ : એમોનીયા દૂર થાય છે.

૪. આયન એક્ષચેન્જ : ફોસ્ફરસ, નાઈટ્રોજન અને કુલ દ્રાવ્ય ઘનપદાર્થો દૂર થાય છે.

૫. રીવર્સ ઓસ્મોસીસ : કાર્બનિક તથા અકાર્બનિક ઝેરી પદાર્થો દૂર થાય છે.

૬. ઈલેક્ટ્રોડાયાલીસીસ : ઝેરી અકાર્બનિક પદાર્થો દૂર થાય છે.

૭. કાર્બનનું શોષણ (કાર્બન એબસોર્પ્સન)

          આમ નકામા પાણીના ઉપયોગ માટે એવી વ્યૂહરચના અપનાવવી જોઇએ કે જેથી તેના દ્વારા વધુમાં વધુ ઉત્પાદન લઈ શકાય, જમીનની ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે તેમજ પર્યાવરણને સમગ્ર રીતે સલામત રાખી શકાય.

          મૂળભૂત રીતે જોતામાં ખેતીની દ્રષ્ટિએ આવા પાણીનો ઉપયોગ કરતી વખતે પાકની પસંદગી, પિયત પદ્ધતિની પસંદગી અને અનુકુળ ખેતી પદ્ધતિ અપનાવવી જોઈએ.

          જો કોઈ ખેડૂત પાસે પિયતના પાણીનો વધારાનો પૂરવઠો ઉપલબ્ધ હોય તો તેણે આ ઉપલબ્ધ પાણી તથા નકામા પાણી એમ બંનેની ઉપયોગ એક બીજા સાથે મિશ્ર કરીને અથવા તો વાર-ફરતી પિયત એમ કરવો જોઇએ.

પાકની પસંદગી :

          એવો પાક પસંદ કરવો જોઇએ કે જે ક્ષાર સહન કરવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ અને આવા પાણીની ઉત્પાદન અને ગુણવત્તા પર ખરાબ અસર થવી ન જોઇએ.

પિયત પાણીની પસંદગી:

          તેનો આધાર પાકની જાત, પાણીની વંહેચણીનો પ્રકાર જમીનમાં રહેલા ક્ષાર, પાણી આપવાની કાર્યક્ષમતા, છોડના ભાગો, ખેતમજૂરો અને વાતાવરણીય પ્રૃથક્કરણ વગેરે બાબતો ઉપર રહેલો છે. સામાન્ય રીતે ઓછા પ્રમાણમાં આવું પાણી વપરાય તો આર્થિક તેમજ વાતાવરણીય રીતે વધુ અસરકારક છે.

આ પણ વાચો: લીલો પડવાશ: જમીનનું કુદરતી ખાતર

પિયતની વ્યવસ્થા:

          મોટેભાગે માવજત આપેલ નકામું પાણી વધુ પડતું ક્ષારીય (ક્ષારનું પ્રમાણ ૨૦૦ થી ૨૫૦ મિ.ગ્રા. પ્રતિ લીટર) હોતું નથી. જો એક હેક્ટરે ૨૦,૦૦૦ ઘનમીટર પાણી આપવામાં આવે તો વર્ષે ૨ થી ૫ટન ક્ષારો જમીનમાં ઉમેરાય જેને લઈને જમીનમાં ક્ષારને લગતા પ્રશ્નો ઊભા થાય છે. તેથી જમીનમાં ક્ષાર અટકાવવા પાણી જમીનમાં ઉતરી જાય અને નિતાર થાય તેવી વ્યવસ્થા કરવી અતિ જરૂરી છે.

નિક્ષાલન (લીચિંગ) :

અસરકારક નિક્ષાલન માટે નીચેના મુદાઓ ધ્યાને લેવા જોઈએ.

૧. ગરમ ઋતુ કરતાં ઠંડી ઋતુમાં લીચિંગ વધુ અસરકારક રીતે થાય છે.

૨. વધુ ક્ષાર સહન કરી શકે તેવા પાકોનો ઉપયોગ કરવો.

૩. જમીન પરના પાણીનો પ્રવાહ ઘટાડવા અને જમીનના ઉપલા પડમાં પડતી તિરાડો ઘટાડવા ખેડ કરવી.

નિતાર (ડ્રેનેજ) :

જમીનમાંના પાણીના સ્તરને ઘટાડવા, ક્ષારીયતા દૂર કરવા અને પાણી ભરાવાના પ્રશ્નો નિવારવા માટે પાણી નિકાલની વ્યવસ્થા કરવી મહત્વની છે.

પિયત માટેનો સમય :

          યોગ્ય આયોજન કર્યા બાદ પિયતનું પાણી આપવું જોઈએ. નકામું પાણી શુદ્ધ પાણી સાથે મિશ્ર કરીને અથવા વારાફરતી પાકની ઉત્પાદનની ગુણવત્તા પર અસર ન થાય તે ધ્યાને લઈ આપવું જોઈએ.

જમીન અને તેની વ્યવસ્થા :

          જમીનના પ્રકાર પ્રમાણે નિતાર અંગેની વ્યવસ્થા કરવી જોઈએ. જમીનના ઉપરના સખત પડને તોડવા માટે ઊંડી ખેડ કરવી જરૂરી છે. કે જેના લીધે ક્ષારો અને ભારે ધાતુઓનું લીચિંગ થઈ શકે.

ક્ષેત્ર વ્યવસ્થા અને ખેતી પદ્ધતિઓ :

          પાકના મૂળ વિસ્તારમાં ક્ષારો જમા ન થાય તે માટે જરૂરી ખેતી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આમાં બિયારણની વાવણી અગત્યની છે. બિયારણ પાળાની બાજુએ વાવવું જોઈએ. જો ઢાળવાળા હોય તો પાણીની નીકોની ઉપરની બાજુછોડ વાવવા જોઈએ. જો નીકપાળા પદ્ધતિએ વાવેતર કરેલ હોય તો એકાંતરે નીકમાં પિયત આપવું જોઈએ.

લાભો :

          એક અંદાજ મુજબ પાંચ લાખની વસ્તી ધરાવતા શહેરી વિસ્તારમાંથી દૈનિક ૮૫૦૦૦ ઘનમીટર નકામું પાણી પબ્લિક સુએઝ સીસ્ટમમાં એકઠું થાય છે. આવું પાણી ૫૦૦૦ ઘનમીટર પ્રતિ હેક્ટર પ્રમાણે વર્ષે પિયત તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો અંદાજે ૬૦૦ હેકટર જમીનને પિયત આપી શકાય કે જે વાર્ષિક ધોરણે ગણતરી કરતાં ૨૬૦ કિગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિગ્રા.ફોસ્ફરસ અને ૧૫૦ કિગ્રા. પોટાશ ધરાવે છે. જો આવા નકામાં પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અકાર્બનિક ખાતરનો વપરાશ આશરે ૨૫ ટકા જેટલો ઘટાડી શકાય.

          ડાંગર, અડદ, ટામેટાઅને કેટલાક શાકભાજીના પાકો ઉપર કરેલ અખતરાઓમાં માવજત કરેલ નકામાં પાણીના ઉપયોગથી તાજા પાણી કરતાં પણ સારા પરિણામો મળ્યા છે.

          આમ એકંદરે જોતા આવા નકામા પાણીના ઉપયોગથી ખેતીને લાભ થાય છે તેની સાથોસાથ જાહેર માનવ આરોગ્યના તેમજ પર્યાવરણના પ્રશ્નો હલ કરી શકાય છે. આ હેતુથી ભારત સરકારે રાષ્ટ્રીય ધોરણે નકામાં પાણીના ઉપયોગ અંગેની એક રાષ્ટ્રીય જળનીતિ અમલમાં મૂકવી જરૂરી છે.

જળ એજ જિવન છે.

plant shining in morning sunlight