સરગવાની ખેતીથી આવક વધારો અને સ્વાસ્થ્ય સુધારો

સરગવાની ખેતી,

ગુજરાત રાજયમાં બાગાયતી ખેતી માટેની ઉજળી તકોના કારણે શાકભાજી પાકો અને ફળપાકોની ખેતી હેઠળ દિવસે દિવસે વિસ્તાર વધી રહેલ છે. શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સરગવો અને બહુવર્ષાયુ અસંખ્ય નાના-નાના પાન ધરાવતુ, આઠથી દશ મીટર ઊંચું, શાખવાળુ સદાપર્ણી ઝાડ છે. જે મોરીંગેસી કૂળનું ઉપયોગી ઝાડ છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિકઅથવા હોર્સ રેડિસ તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં કેરાલા,તામિલનાડુ, કર્ણાટક,આંધ્રપ્રદેશમાં તેની શીંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સરગવાની શીંગોમાં વિટામિન ‘બી’ અને ‘સી’ ભરપૂર પ્રમાણમાં હોય છે. શીંગોમાં કાર્બોહાઈટ્રેટ્સ ૩.૭%, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છે. આ ઉપરાંત મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધિય ગુણ સમાયેલા છે. વિશેષમાં સરગવાની શીંગના માવામાં દીપન ગુણને કારણે મંદાગ્ર્નિમાં, સંધિવા,શરીરનુ અકડાઈ જવું, પક્ષાધાત, અનામત, સોજા, પથરી તેમજ ચામડીના રોગોમાં રાહત આપે છે. હેડકી અને શ્વાસની બિમારીમાં સરગવાના પાનનો રસ રાહત આપે છે. આમ સરગવો શાકભાજી તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે. સરગવાની શીંગનું શાક તથા કઢી, પાન અને ફૂલની ભાજી રૂપે, મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં વપરાય છે.

            ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં સરગવાની ખેતીનો વ્યાપ દિવસે-દિવસે વધતો જાય છે. કિચન ગાર્ડનમાંસરગવાનું સ્થાન નિશ્ચિત રૂપે જોઇ શકાય છે. સરગવાની આધુનિક ખેતી પદ્ધતિ માટે અગત્યના મુદા ઓ નીચે આપેલા છે:

            સમાન્ય રીતે બધી જગ્યાએ થાય છે પણ તેને રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. પાણી ભરાવવાળી જમીનમાં મૂળ કોહવાઈ જતા હોવાથી આવી જમીન તેને માફક આવતી નથી. 

            ગરમ અને ભેજવાળુ સમશીતોષ્ણ હવામાન ખૂબ જ અનુકૂળ છે. વધુ પડતી ગરમી કે ઠંડી ઝાડની વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે.

સરગવાની સુધારેલી જાતોમાં સારૂ ઉત્પાદન ધરાવતી કેટલીક જાતો ની માહીતી નિચે મુજબ છે. 

(૧)પી.કે.એમ.-૧: આ જાત ૧૯૯૮ માં તામિલનાડુ કૃષિ યુની. કોઇમ્બતુર દ્વારા બહાર પાડવામાં આવેલી જાત છે. વાવણી બાદ ફુલ ૫-૬ મહીનામાં આવવાનૂ શરૂ થાય છે. અને ઉત્પાદન ૭-૮ મહીનાથી શરૂ થાય છે. અંદાજીત ૫૦ થી ૬૦ કિલોગ્રામ ઝાડ દીઠ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

(૨)કોંકણ રૂચિરા:કોંકણ કૃષિ વિદ્યાપીઠ, દાપોલી દ્વારા તૈયાર કરેલ જાત છે. આ જાતની શીંગો લીલા રંગની, વધુ ગર્ભ ધરાવતી ૫૦ થી ૫૫ સે.મી. લાંબી, સ્વાદિષ્ટ છે. અંદાજીત ૪૦ કિ.ગ્રા. પ્રતિ વર્ષ ઝાડ દીઠ ઉત્પાદન આપે છે.

(૩)જાફના: આ જાતની શીંગો૭૦ થી ૯૦ સે.મી. લંબાઈની, પોચા ગર્ભવાળી, સ્વાદિષ્ટ હોય છે. અંદાજીત ૪૦ કિ.ગ્રા. પ્રતિ ઝાડ વાર્ષિક ઉત્પાદન આપે છે.

(૪)લોકલ(સ્થાનિક): આ ઉપરાંત રાજ્યમાં વિસ્તાર પ્રમાણે સ્થાનિક જાતોની ખેતી થાય છે. લીલો સરગવો: સૌરાષ્ટ્ર્ના જૂનાગઢ, પોરબંદર વિસ્તાર. કારેલીયો સરગવો: ભાવનગર વિસ્તાર.ટૂકો સરગવો: ઓડ, મહીંકાંઠાના વિસ્તાર માટે, શીંગો ભરાવદાર, જાડાઈ ધરાવતી ૩૦ થી ૪૦ સે.મી. લંબાઈ હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટતા ધરાવે છે.

સરગવાનું પ્રસર્જન બીંજથી અને કટકા કરીને એમ બે રીતે કરી શકાય છે. અંકુરણ ક્ષમતા ઘણી ઉંચી હોવાથી આખા વર્ષ દરમિયાન બીજ ધ્વારા સહેલાઈથી પ્રસર્જન થઈ શકે છે, કટકા ધ્વારા પ્રસર્જન માટે પસંદગી કરેલ છોડ જીવાતમુક્ત હોવો જોઈએ. કટકા ૧-૧.૫ મીટર લાંબા અને ૪-૫ સે.મી, ઘનતાવાળા હોવા જોઈએ. કટકાને જમીનમાં ૧/૩ જેટલો ભાગ અંદર રહે એ રીતે રોપવું, જેથી મૂળનો વિકાસ સારો થાય.

            સામાન્ય રીતે ઉનાળામાં ૪૫ સે.મી. C૪૫ સે.મી. C ૪૫ સે.મી.ના ખાડા ૬ મીટર C ૬ મીટરના અંતરે તૈયાર કરવા. તેનેસારા કહોવાયેલા છાણિયા ખાતર તેમજ ઊધઈ નિંયત્રણ માટે પેરાથિયોન ડસ્ટ ૩૦ ગ્રામ ખાડા દીઠ છાણિયા ખાતર સાથે ભલામણ કરેલ રાસાયણિક ખાતર મિશ્રણ કરી ખાડા પૂરવા. ચોમાસાની શરૂઆત અગાઉ એપ્રિલ-મે માસમાં તૈયાર કરેલ રોપા કે કટકા કલમને રોપી, તુરત જ પિયત આપવું. જરૂરત પડે રોપાને લાકડી કે વાંસનો ટેકો આપવો.

સરગવાનાં છોડ નાના હોય ત્યારે એક બે વર્ષ સુધી તેમાં આંતરપાક તરીકે શાકભાજી જેમકે રીંગણ, મરચાં, ટામેટાં, કોબીજ, ધાણા, પાલક, મૈથી, ડુંગળી જેવા પાકો ઋતુ અનુસાર હઈ તેમાંથી પૂરક આવક મેળવી શકાય છે

રોપણી સમયે પાયામાં ખાડા દીઠ ૧૦૦ ગ્રામ ડીએપી અને ૧૦૦ ગ્રામ પોટાશ છાણિયા ખાતર સાથે આપવું.

            રોપણી બાદ ત્રણ માસે ૫૦:૨૫:૨૫ ગ્રામ/છોડ દીઠ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતર થડની આજુબાજુ ૩૦ થી ૪૫ સે.મી. ના અંતરે રીંગ કરી જમીનમાં આપી ગોડ કરવી. ત્યારબાદ છ માસે ૫૦ ગ્રામ નાઈટ્રોજન/છોડ દીઠ આપવો જોઈએ.

            સરગવાને આમતો પાણીની ઘણી ઓછી જરૂરિયાત રહે છે.  ચોમાસામાં વરસાદ ખેંચાય તો જરૂરત મુજબ હળવું પાણી આપવું. ફૂલ બેસતી વખતે અને શીંગોના વિકાસ સમયે ૩૦ દિવસના અંતરે પિયત આપવા.

જરૂરત મુજબ નીંદણ નિયંત્રણ કરી ખામણાને ગોડ મારવો. છોડ એકાદ મીટર ઊંચાઈના થાય ત્યારે અગ્રભાગ કાપી પ્રુનિંગ કરવું. વધુ ઉંમરવાળા ઝાડને એકાદ મીટરની ઊંચાઈએથી થડ કાપી પ્રુનિંગ કરવું.

સરગવામાં આમતો કોઈ નુકસાનકારક રોગ નથી. પણ આંતરપાક લઈએ ત્યારે ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્ર્વ થાય છે ત્યારે ભલામણ કરેલ શોષક પ્રકારની દવાના જરૂરત મુજબ એક થી બે છંટકાવ કરવા જરૂરી છે.

            સરગવામાં સુધારેલી જાતોમાં છ માસ બાદ શીંગો ઉતારવા લાયક બને છે. સરખી લંબાઈની તંદુરસ્ત, મધ્યમ જાડાઈવાળી શીંગોને અંકોડીની મદદથી ઝાડની ડાળી કે થડને નુકસાન ન થાય તેમ ઉતારી, ગ્રેડિંગ કરી યોગ્ય કદની જૂડીઓ બનાવી, કાપડ, કંપના કે પૂંઠાના બોક્ષમાં પેકિંગ કરી બજારમાં મોકલવથી અર્થક્ષમ ભાવો મળી રહે છે. વિણી પાંચ થી સાત દિવસના અંતરે નિયમિત કરવાથી સારૂં ઉત્પાદન મેળવી શકાય છે.

સરગવાના બધાં ભાગોમાં વિવિધ પોષક તત્ત્વો રહેલાં છે, જેનો ઉપયોગ વિવિધ પ્રકારે થાય છે. સરગવાના ઉપયોગી ભાગોમાં પાન, બીજ, છાલ, શીંગ, કલ અને મૂળ નો સમાવેશ થાય છે.

પાન: સૌથી વધારે પોષક તત્ત્વો ધરાવતો ભાગ છે. જેમાં વિટામીન એ, બી, સી, કે, મેંગેનીઝ અને પ્રોટીનનો સમાવેશ થાય છે. રાંધેલા પાનમાં પણ પોષક તત્ત્વો એટલા જ પ્રમાણમાં હોય છે. તેના પાનમાં કેલિ્શયમ એ કેલિ્શયમના ઓક્ઝેલેટનાં રૂપમાં આવેલું છે. સરગવાનાં પાનને પાલકની જેમ પાન રાંધીને પણ ખવાય છે અથવા સૂકવીને પાવડર બનાવીને સુપ તેમજ સોસમાં પણ વપરાય છે. પાનમાંથી દવા પણ બનાવવામાં આવે છે. ફિલિપાઈન્સ| અને ઈન્ડોનેશિયામાં સરગવો પાન માટે ઉગાડવામાં આવે છે. તેનાં પાનમાં ક્રાઈટોકેમિકલ્સ હોવાથી તેમાં એનિ્ટસેપિ્ટક ડિટર્જન્ટ પ્રોપર્ટી પણ હોય છે, જેથી તેનો ઉપયોગ સાબુ બનાવવા માટે થાય છે. પાન ચારા તરીકે પશુને પણ અપાય છે. 

 શીંગ: આપણે અહી કાચી શીંગનો ઉપયોગ રાંધીને શાક બનાવીને ખાવામાં થાય છે. શીંગ ખાવાથી વાળ ઉતરવાનું અટકે છે. રાંધવા| છતાં શીંગમાં વિટામિન સી વધારે પ્રમાણમાં રહે છે અને તેમાં રેસાનું પ્રમાણ,| પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ પણ સારા પ્રમાણમાં હોય છે.

બીજ: બીજને પરિપક્વ શીંગમાંથી કાઢીને વટાણાની જેમ અથવા નટની જેમાં શેકીને ખવાય છે. જેમાં વધારે પ્રમાણમાં વિટામીન સી, મધ્યમ પ્રમાણમાં વિટામિન બી અને ખનીજ તત્ત્વો રહેલાં છે. પરિપક્વ બીજમાં ૩૮-૪૦ ટકા| તેલ આવેલું છે જેને બેન તેલ કહે છે. જેમાં ઘણા પ્રમાણમાં બેહેનીક એસિડ આવેલું છે. રિફાઈન તેલ ચોખ્ખું અને દુર્ગંધ વગરનું હોય છે. તેલનો ઉપયોગ ખોરાક રાંધવામાં, કોસ્મેમેટિક તથા વાળ અને ચામડીની દેખભાળ માટે થાય છે. તેલ કાઢ્યા પછી વધેલા ભાગમાંથી ખાતર બનાવાય છે.

મૂળ: મૂળનો ઉપયોગ સૂગંધિત મરી મસાલા તરીકે થાય છે

ફૂલ: ફૂલોનો ઉપયોગ રાંધીને ખાવા માટે થાય છે, જેનો સ્વાદ મશરૂમ જેવો હોય છે. અનેક દેશોમાં સરગવાની છાલ રસ, પાન, બીજ, તેલ અને ફૂલોમાંથી પારંપારિક દવા બનાવાય છે.

સરગવાનાં ઝાડનો ઉપયોગ પવન અવરોધક તરીકે થાય છે. તેમજ તે જમીનનું ધોવાણ અટકાવવામાં પણ મદદરૂપ છે. આમ, આખા વર્ષ દરમિયાન પોષક તત્ત્વો પૂરું પાડતું આ એક સર્વતોમુખી ઝાડ છે.