લીલો પડવાશ: જમીનનું કુદરતી ખાતર

ખેતીમાં યાંત્રીકરણનો વ્યાપ વધવાની સાથે પશુધનની સંખ્યા ઘટવા લાગી છે અને તેથી સેન્દ્રિયખાતરો પૂરતા પ્રમાણમાં મળતા નથી. આની સામે રાસાયણીક ખાતરો સહેલાઈથી ઉપલબ્ધ થતા હોઈ ખેડુતો તેનો બહોળો ઉપયોગ કરે છે, જેના કારણે જમીનની જીવંતતા ઘટવા લાગી છે. આ પરિસ્થિતિમાં જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા વૈજ્ઞાનિકોએ વર્ષો પહેલા એવા પાકો શોધીકાઢ્યા છે કે જે જમીનમાં ભેળવવાથી પોષકતત્વોની પૂર્તિ સાથે બીજા અનેક ફાયદા કરે. આવા પાકો જમીન ઉપર ઉગાડી ફૂલ આવતા પેહલાં જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષકતત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને ‘’લીલો પડવાશ’’કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક સ્લુઝલુમીઝે આપેલો. 

લીલો પડવાશ ત્રણ રીતે કરી શકાય:

 લીલા પડવાશના પાક અને તેમાંથી લભ્ય પોષક તત્વો નીચે પ્રમાણે છે.

  • લીલો પડવાશ ખેતરમાં : આ પદ્ધતિમાં ખેતરમાં જ પાક ઉગાડી તેને ખેતરમાં દાબી દેવા. જેવા કે શણ, ઈક્કડ, ચોળા, ગુવાર જેવા પાકોનો ઉપયોગ થાય છે.
  • લીલા પાંદડા અને કુમળી ડાળીઓ લાવી જમીનમાં ભેળવી દેવા જેમાં ગ્લીરીસીડીયા અને કરંજનો ઉપયોગ થાય છે.
  • લીલા પડવાશના પાકો ખેતરમાં ઉગાડી કમ્પોસ્ટ ખાતર બનાવી ઉપયોગ કરવો. કોઈ વખત વરસાદ ઓછો હોઈ તો લીલા પડવાશના પાકને ઉપાડી ખાડમાં લીલા પદાર્થને કોહવાડાવીને ખાતર બનાવવુ.

લીલા પડવાશના પાકો

કઠોળવર્ગના પાકોબિન કઠોળવર્ગના પાકો
શણજુવાર
ઈકકડ, ગુવારમકાઈ
મગ, ચોળાસૂર્યમુખી

જુદા જુદા પાકોમાંથી મળતા પોષક્તત્વોનું પ્રમાણ

પાકનાઇટ્રોજન(%)ફોસ્ફરસ (%)પોટાશ (%)
શણ૦.૭૫૦.૧૨૦.૫૧
ઈક્કડ૦.૦૨૦.૪૨૦.૫૩
મગ૦.૭૨૦.૧૮૦.૫૩
ચોળા૦.૭૧૦.૧૫૦.૫૮
અડદ૦.૮૫૦.૧૮૦.૫૩

લીલા પડવાશના ફાયદાઓ :

૧. જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. ભારે કાળી જમીન પોચી અને ભરભરી બને છે. જેથી તેની નિતાર શક્તિ વધે છે . જ્યારે રેતાળ અને ગોરાળુ જમીનનું બંધારણ સુધરે છે. જેથી તેની ભેજ સંગ્રહ-શક્તિ વધે છે અને ધોવાણ ઘટે છે.

૨. જમીનમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો થવાથી જમીનમાં રહેલ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ સક્રિય બને છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.

૩. લીલા પડવાશ માટે ઉગાડવામાં આવેલ પાક, જમીનમાંથી ઉંડેથી પોષક તત્વો ઉપયોગમાં લઈ જમીનના ઉપલા થરમાં તે તત્વો પાછા જમા કરે છે.

૪. લીલો પડવાશ જમીનમાં દાબી દેવાથી જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થાય છે.

૫.લીલા પડવાશ તરીકે કઠોળ વર્ગના પાક લેવામાં આવતા હોવાથી હવામાંનો નાઈટ્રોજન મૂળ ધ્વારા જમીનમાં ઉમેરાય છે.

૬. ખારી જમીનમાં ઈકકડ જમીન સુધારકનું કામ કરે છે. કારણ કે તેમા કેલ્શીયમનું પ્રમાણ સારું હોય છે અને વધુ ભાસ્મિકતા સહન કરી શકે છે.

૭. લીલા પડવાશના કારણે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા મુખ્ય તત્વો તથા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ગંધક, જેવા સુક્ષ્મ પોષક તત્વો લભ્ય સ્વરૂપમાં છોડને પ્રાપ્ત થાય છે.

૮. લીલા પડવાશના પાકોની વૃધ્ધિ ઝડપી હોવાથી નિંદામણના પ્રશ્નો ઘટે છે.

લીલાપડવાશ માટે પાકની પસંદગીમાં ધ્યાનમાં રાખવાના મુદાઓ :

૧. લીલા પડવાશ માટે બને ત્યાં સુધી કઠોળ વર્ગના પાકો પસંદ કરવા જોઈએ.

૨. એકમ વિસ્તારમાંથી મહત્તમ લીલો પદાર્થ મળે તેવો પાક પસંદ કરવો.

૩. પસંદ કરેલ પાક ઝડપથી વધી શકે તેવો અને ઓછા સમયમાં તૈયાર થતો હોવો જોઈએ.

૪. પસંદ કરેલ પાકના થડ જેમ બને તેમ પોચા અને થડ અને ડાળીઓ કરતાં પાંદડાનું પ્રમાણ વધારે હોવું જોઈએ જેથી તે ઝડપથી કહોવાઈ જાય.

૫. જે તે જમીનને અનુરૂપ ઓછા પાણીએ ઉગી શકે તેવા અને ઉંડા મૂળવાળા પાકો પસંદ કરવા.

૬. જે પાકનું બીયારણ સહેલાઈથી અને સસ્તા દરે મળી શકે તેવા પાકો પસંદ કરવા જોઈએ.

ઉપરોક્તબાબતો જોતા સામાન્ય રીતે શણ, ઈક્કડ, ચોળા, ગુવાર, અડદ, ફૂલથી,મઠ, ગ્લીરીસિડીયા વગેરે લીલા પડવાશ માટે અનુકુળ ગણી શકાય.

લીલા પડવાશના પાકો વિશે માહિતી :

()શણ :

        આ પાક રેતાળ તેમજ ગોરાળુ જમીનમાં સારો થાય છે. તેની વૃધ્ધિ ઘણી જ ઝડપી હોય છે. ૩-૪ અઠવાડિયામાં ૪-૫ ફૂટની ઉંચાઈ પ્રાપ્ત કરે છે. અનુકુળ જમીન અને આબોહવામાં આ પાક બીજા કોઈપણ પાકો કરતા વધુ લીલો પદાર્થ આપી શકે તેમ છે.

()ઈક્ક્ડ:

             મહારાષ્ટ્રઅને દક્ષિણ ગુજરાતની કાળી જમીન માટે અનુકુળ આ પાક હલકી જમીનમાં પણ સારો થાય છે.વધુ ભેજ અને ક્ષારવાળી જમીનમાં પણ આ પાકનું વાવેતર કરી શકાય છે. શણ કરતા વૃધ્ધિ ધીમી હોય છે અને લીલો પદાર્થ પણ ઓછો મળે છે. ૪-૬ અઠવાડિયામાં ૫-૬ ફૂટની ઉંચાઈએ પહોંચે છે. છોડના થડ અને ડાખળા પ્રમાણમાં નકકર હોવાથી સડવા માટે થોડો વધુ સમય જોઈએ છે. 

() ચોળા :

            આ પાક લીલા પદાર્થનું ઘણું જ ઓછું ઉત્પાદન આપે છે તેથી લીલા પડવાશ તરીકે તેને ખાસ પસંદ કરવામાં આવતો નથી. પરંતુ પહોળા વાવેતર કરેલ પાકમાં આંતરપાક તરીકે તેનો સમાવેશ કરીને,શીંગોની ૧-૨ વીણી લઈને તેને જમીનમાં દાબી દેવાથી વધારાના ઉત્પાદનની સાથે હવામાંનો નાઈટ્રોજન પણ જમીનમાં ભળે છે અને લીલા પડવાશનો લાભ પણ મળી શકે છે.

() ગુવાર :

             આ પાક ઓછા વરસાદમાં અને સુકી આબોહવામાં થઈ શકે છે. ગુજરાતમાં આદુ, હળદર, સૂરણ વગેરેમાં છાંયાના પાક તરીકે પાછળથી વાવવામાં આવે છે અને ફુલ આવતા પહેલાં કાપી લઈ લીલા પડવાશ તરીકે દાટી દેવામાં આવે છે. ગુવારના થડ પોચા હોય છે.

() અડદ :

          અડદનો પાક શણ કરતાં ઓછાં રેસાવાળો  હોવા છતાં પાકનું વર્ધન ઘણું ધીમું થાય છે. એકમ વિસ્તાર દીઠ લીલા પદાર્થનો ઉતારો ઓછો હોવાથી લીલા પડવાશ માટે બહુ ઉપયોગી નથી. પરંતુ ચોળાની જેમ આંતરપાક તરીકે ઉપયોગી છે.

() ફુલથી :

          લીલા પડવાશનો આ શિયાળુ પાક છે. તેના થડ અને પાન દળદાર અને જલ્દી કહોવાય તેવા હોય છે.

() ઢીંઢણ : ( સસ્બેનીયા રોસ્ટ્રેટા )

          ઈકકડને મળતો આ પાક છે, પરંતુ તેના થડ ઈકકડ જેટલા કઠણ નથી. તેના બીજને ઉગતા વાર લાગે છે. તેથી વાવતા પહેલા ઉકળતા પાણીમાં ૩ સેકંડ રાખી બહાર કાઢી સુકવી વાવેતર કરવાથી તે ઝડપથી ઉગે છે.

() ગ્લીરીસીડીયા  :

          આ કથોળ વર્ગનું બહુવર્ષાયુ વૃક્ષ છે જેના પર્ણ તથા શાખાઓના સુકા વજનમાં ૩૦% નાઈટ્રોજન તત્વ હોય છે. આ વૃક્ષને શેઢાપાળા ઉપર ઉગડવામાં આવે છે અને તેના પાન/કુમળી શાખાઓને વખતોવખત કાપીને ખેતરમાં સીધા ઉમેરવામાં આવે છે. અથવા તેનો કમ્પોસ્ટ બનાવી ખેતરમાં નાંખવાથી જમીનમાં મુખ્ય કે ગૌણ પોષક તત્વો ઉમેરવા ઉપરાંત લીલો પદાર્થ પણ ઉમેરાય છે.

વૈજ્ઞાનિક પધ્ધતિથી લીલો પડવાશ કરવા ધ્યાનમાં રાખવાના અગત્યના મુદાઓ

૧. જે તે વિસ્તારની જમીન, આબોહવા અને લેવામાં આવનાર પાક અનુસાર લીલા પડવાશના પાકની પસંદગી કરવી.

૨. પિયતની સગવડ હોય તો લીલા પડવાશનું આગોતરૂ વાવેતર ( ચોમાસુ બેસતા પહેલા ૧૫ થી ૨૦ દિવસ અગાઉ ) કરવું અને પિયતની સગવડ ન હોય તો ચોમાસુ બેસતાની સાથે વાવેતર કરવું.

૩. લીલા પડવાશના પાક માટે બિયારણનો દર ભલામણ મુજબ રાખવો. બિયારણનો દર ઓછો હોય તો લીલો માવો તેટલા પ્રમાણમાં ઓછો મળે અને નિંદામણ પણ વધુ થાય.

૪. લીલા પડવાશના પાકમાં ફુલ આવવાની શરૂઆત થાય કે તરત જ જમીનમાં દાટી દેવો જોઈએ કારણ કે આ અવસ્થાએ મહત્તમ માવો અને સેન્દ્રિય પદાર્થ મળે છે. મોડુ કરવાથી રેસાનું પ્રમાણ વધવા લાગે છે.

૫. લીલા પડવાશના પાકને જમીનમાં દબાવવામાં આવે ત્યારે વિઘટનની પ્રક્રિયા માટે ભેજની જરૂરીયાત રહે છે, જેથી વિઘટનનની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ભેજનીખેંચ ના રહે તેનું ધ્યાન રાખવું.

૬. લીલા પડવાશનો પાક સામાન્ય રીતે ૭-૮ અઠવાડિયા બાદ તૈયાર થઈ જાય છે. ત્યારબાદ તેને દાટી ૧-૨ અઠવાડિયામાં વાવણી/રોપણી કરી શકાય છે.

One thought on “લીલો પડવાશ: જમીનનું કુદરતી ખાતર”

Comments are closed.