રાસાયણિક ખાતરનો પૂરક ઉપાય

રાષ્ટ્રના અસ્તિત્વ માટે એગ્રીકલ્ચર સેક્ટર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વસ્તીના ભરણપોષણ તેમજ આર્થિક નિકાસ માટે તેની ગુણવત્તા તેમજ જથ્થો જાળવી રાખવું ખૂબ જ અગત્યનું છે. હરિતક્રાંતિના પરિણામ રૂપ ખૂબ સારુ ઉત્પાદન મળ્યુ તેની સાથે પર્યાવરણના વિઘટન માટે પણ તે જવાબદાર છે.
બાયોફર્ટીલાઇઝર એ રાસાયણિક ખાતરના પુરક તરીકે ખુબ મહત્વનુ છે જે જમીન, હવા, પાણી પર નુકસાન તેમજ ખરાબ અસર ઓછી કરે છે તેમજ મનુષ્યના આરોગ્યનો પણ સુધારે છે.
બાયોફર્ટીલાઇઝર જમીનને ખૂબ મોટા ખનીજતત્વો આપી પોષણ યુક્ત બનાવે છે અને જમીનની ફળદ્રુપતા વધારતા સુક્ષ્મ-જીવાણુ પણ જમીનમાં ઉમેરે છે.
જૈવિક ખાતર અમુક સુક્ષ્મ-જીવાણુના સક્રિય કોષ અથવા લેટેન્ટ કોષમાંથી બનાવવામાં આવે છે, જે વતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ કરી જમીનમાંના નાઇટ્રોજનમાં વધારો કરે છે. તેમજ જમીનમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફેટને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખે જે છોડ ઉપયોગમાં લઈ ઉત્પાદનમાં વધારો કરે છે.
જૈવિક ખાતરના અલગ-અલગ પ્રકારો :

(૧) રાઇઝોબિયમ
બાયોફર્ટીલાઇઝર રાઇઝોબિયમ કલ્ચર મૂળ ઉપર નાની નાની ગાંઠો બનાવતા હોવાથી ફક્ત કઠોળ વર્ગના પાક માટે જ વાપરી શકાય. મગનું કલ્ચર મગ માટે અને ચણાનું કલ્ચર ચણા માટે જ વાપરવું હિતાવહ છે. પાકમાં રાઇઝોબિયમ કલ્ચરના ઉપયોગથી હેકટર દીઠ ૮૦-૧૦૦ કિલોગ્રામ નાઇટ્રોજનની બચત થાય છે.
(૨) એઝોટોબેકટર
એઝોટોબેકટર એ હવામાંના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. આ જ કારણે તેનો જૈવિક ખાતર તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. રાઇઝોબિયમ પ્રકારના બેકટેરીયાને નાઇટ્રોજન મેળવવા જેમ કઠોળ વર્ગના પાકની હાજરીની જરૂર પડે છે તેમ અઝોટોબેકટરને કોઇપણ પાકની હાજરીની જરૂર પડતી નથી. તેઓ એકલા જ પોતાની મેળે હવામાંના નાઇટ્રોજન સ્થિર કરી શકે છે. ખેતરની જમીન તેમનું રહેઠાણ છે. આ બેકટેરિયાને વૃધ્દ્રિ તેમજ વિકાસ માટે હવામાંનો પ્રાણવાયુ જરૂરી છે. તેથી ખેતરના ૧૫-૩૦ સે.મી.ના ઉપરના પડમાં તેઓ વિશેષ સંખ્યામાં આવેલા હોય છે. આ સંજોગોમાં જમીનની ફળદ્રુપતા સાચવવા તેમજ મોંધા રાસાયણિક ખાતરની બચત કરવા કાર્યક્ષમ જાતની ભલામણ કરેલ અઝોટોબેકટરની જાતના જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવો જરૂરી છે. આ પ્રકારના બેકટેરિયા હવામાંનો મુક્ત નાઇટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઇટ્રોજીનેઝ ઉત્સેકચની મદદથી અમોનિયા બનાવે છે. આ અમોનિયા પાણીમાં દ્રાવ્ય છે જેથી સહેલાઈથી લઇ શકે છે. જે જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઓછા હોય ત્યાં આ બેકટેરિયાની સંખ્યા વધે છે. કઠોળ વર્ગ સિવાયના પાકો માટે આ જૈવિક ખાતર ભલામણ કરવામાં આવે છે.
(૨) એઝોસ્પાઇરીલમ
આ એક પ્રકારના સુક્ષ્મજીવાણું છે. તેમનું કદ મિલિમીટરના હજારમા ભાગનું તેમજ આકાર અડધો વાળેલો સર્પાકાર હોય છે. એઝોસ્પાઇરીલમ જીવાણુંની બે પ્રજાતિઓ છે, લીપોફેરમ અને બ્રાસીલેંસ. આવા કલ્ચર વનસ્પતિ વ્રુધ્દ્રિ વર્ધકો જેવા કે ઇન્ડોલ એસિટીક એસિડ, ઇન્ડોલ બ્યુટારિક એસિડ, ઓકઝીન, ગીબરેલીન્સ બનાવી પાકની વૃધ્દ્રિમાં મદદ કરે છે.
(૪) માઈકોરાઈઝા
માઈકોરાઈઝા એ છોડના મુળ તેમજ વિશિષ્ટ ફુગનું સહજીવી ગઠબંધન છે. માઈકોરાઈઝાના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. એન્ડોમાઈકોરાઈઝા, એકટોમાઈકોરાઈઝા અને એક્ટએન્ડોમાઇકોરાઇઝા.
માઈકોરાઈઝા ફૂગ જમીનમાં રહેલ ફોસ્ફરસને દ્રાવ્ય કરતી નથી પરંતુ દ્રાવ્ય ફોસ્ફરસ દૂરથી ખેંચી લાવી છોડને આપે છે. વળી આ ફુગ પાણીની ખેંચ પણ આંશિક દૂર કરે છે. તદઉપરાંત કેટલાક મૂળજન્ય રોગો સામે રક્ષણ આપે છે અને પાણીની અછતમાં ટકી રહેવાની શકિત આપે છે.
(૫) બ્લુ-ગ્રીન આલ્ગી
બ્લૂ ગ્રીન આલ્ગી એકકોષિય, વિભાજીત તથા અવિભાજિત સ્વરુપે જોવા મળતી પાણીમાં ઊગતી એક પ્રકારની લીલ છે. મુક્ત રુપે જીવન ગુજારતી આ લીલ સામાન્ય રીતે સમૂહમાં જોવા મળે છે. મુખ્યત્વે પાણીની સપાટી પર વસવાટ કરે અને વાતાવરણ માફક આવતા તેની વ્રુદ્ધિમાં ખૂબ જ ઝડપી વધારો જોવા છે. આ લીલ તેના નામ પ્રમાણે ભૂરાશ પડતા લીલા રંગની હોય છે. અન્ય જૈવિક ખાતરની જેમ આ લીલ પણ વાતાવરણમાં રહેલ મુક્ત નાઈટ્રોજનને સ્થિર કરી પોતાનામાં સંચય કરે છે. ત્યાર બાદ આ આલ્ગીનું વિઘટન થઈ તેમાંથી નાઈટ્રોજન છૂટો પડી છોડને મળે છે.
આ પણ વાચો: લીલો પડવાશ: જમીનનું કુદરતી ખાતર
બાયોફર્ટીલાઇઝરના ફાયદાઓ:
૧. નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસ જમીનમાં ઉમેરે છે અને પાકને દ્રાવ્ય બનાવે છે.
૨. અમુક પાકના વિકાસ વધારનાર પદાર્થ ઉમેરે છે, બીજની અંકુરણ ક્ષમતા વધારે છે.
૩. અમુક પરિસ્થિતિમાં તેઓ એન્ટિફંગલ એક્ટીવીટી બતાવે છે જે છોડને નુકસાન કરનાર ફુગ સામે રક્ષણ આપે છે.
૪. પર્યાવરણને નુકસાનકારક નથી. રાસાયણિક ખાતરને વૈકલ્પિક છે.
૫. ઓછુ ખર્ચાળ છે. જમીનના બંધારણને વધારે છે. તેમજ જમીનની પાણી ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે.
૬. જમીનની ફળદ્રુપતા વધારે છે. તેમજ ઉત્પાદનમાં ૧૫-૨૦ ટકા નો સામાન્ય રીતે વધારો કરે છે.
૭. જમીનને જીવંત રાખે છે અને જમીનના આરોગ્યને પણ જાળવી રાખે છે.
૮. વરસાદ આધારીત ખેતીમાં તથા વરસાદની અછતવાળા વિસ્તારોમાં ઘણાં ઉપયોગી નીવડે છે.
૯. જમીનજન્ય રોગો આવતાં અટકાવવામાં મદદ કરે છે.
મર્યાદા:
૧. રાસાયણિક ખાતરના પુરક તરીકે છે પરંતુ અવેજીમાં નથી.
૨. પાક નિશ્ચિત છે.
૩. બાયોફર્ટીલાઇઝરના ઉપયોગ માટે આવડત તેમજ વધારે કાળજીઓ જરૂરી છે.
૪. સુર્યપ્રકાશ સામે વધારે સંવેદનશીલ છે.
૫. જીવાણુંનું આયુષ્ય ઘણું જ ટુંકુ હોય છે.
૬. બાયોફર્ટીલાઇઝરની ક્ષમતા જમીનના ભેજ,પી.એચ., તાપમાન પર પણ આધાર રાખે છે.
૭. પાણીની ખેચ, કિટકનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ તથા ઉષ્ણતામાનમાં થતાં અચાનક ફેરફારો વગેરે તેનો ઉપયોગ મર્યાદિત બનાવે છે.