ઉનાળુ તલવાવેતર ના ફાયદા
(૧) ચોમાસુ તલ કરતા ઉનાળુ તલનું ઉત્પાદન આશરે ત્રણ ગણું વધુ મળે છે.
(२) નિયમિત પિયત પાણી મળવાથી પાકની વૃધ્ધિ અને વિકાસ સારો થાય છે.
(૩) ઉનાળુ તલમાં રોગ/જીવાત ઓછા પ્રમાણમાં આવે છે.
(૪) પ્રકાશસંશ્લેષણ માટે પુરતા પ્રમાણમાં સુર્યપ્રકાશ મળે છે અને પુષ્કળ પ્રમાણમાં મધમાખીની આવન-જાવનથી પરાગનયનની પક્રિ યાસારી થવાથી બેઢા પુષ્કળ સંખ્યામાં બેસે છે.
(૫) ઉનાળુ તલમાં દાણા એકસરખા અને ભરાવદાર થવાથી ગુણવતા સારી મળે છે.
૧.) જમીનની પસંદગી અને તૈયારી
ઉનાળુ તલને સારા નિતારવાળી, ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ચીકણી અને ક્ષારીય તથા પાણી ભરાય રહે તેવી જમીન અનુકુળ આવતી નથી. અગાઉના પાકના જડીયા વીણી જમીનને ઓરવાણ કર્યા બાદ વરાપ થયે કરબની ખેડ કરી સમાર મારી સમતલ અને ભરભરી બનાવવી. કયારા સમતલ અને ટુંકા બનાવવા.
૨) સુધારેલી જાતો
ઉનાળુ તલ માં ગુ.તલ-૩ અને જીજેટી-૫ જાતની ભલામણ કરવામાં આવેલ છે. જેના ગુણધર્મો નીચે મુજબ છે. સેન્દ્રિય પધ્ધતિથી તલ ઉગાડવા ઈચ્છતા ખેડુતો એ ગુ.તલ-૪, જીજેટી-૫ અથવા ગુ.તલ-૬ જાત વાવવા માટે ભલામણ કરવામાં આવેલ છે.
ગુ.તલ-૩ | જીજેટી-૫ | ||
૧ | બહાર પાડયાનું વર્ષ | ૨૦૧૨ | ૨૦૧૫ |
૨ | ભલામણ નો વિસ્તાર | સૌરાષ્ટ્ર વિસ્તાર | ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તાર |
૩ | પર્ણ કક્ષમાં બૈઢા ની સંખ્યા | એક | એક થી વધુ |
૪ | દાણાનો રંગ | સફેદ | સફેદ |
૫ | પાકવાના સરેરાશ દિવસો | ૯૧ | ૯૧ |
૬ | ૧૦૦૦ દાણાનું સરેરાશ વજન (ગ્રામ) | ૩.૭૦ | ૩.૬૩ |
૭ | તેલનું પ્રમાણ | ૪૭.૦૬% | ૪૬.૯૮% |
૮ | ઉત્પાદન (કિલો/હે.) | ૧૦૧૪ | ૧૨૧૪ |
૯ | ખાસ વિશેષતા | બૈઢા લાંબા પહોળા રૂવાંટી વગરનાં અને સામસામે આવે | બૈઢા લાંબા પહોળા રૂવાંટી વગરનાં અને ચક્રકારેઆવે |
૩) ખાતર
જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર ૧૦ ટન છણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું. રાસાયણીક ખાતર ૨૫-૨૫-૪૦ પ્રતિ હેકટર (૫૪ કિલો ડીએપી, ૭૬ કિલો એમોનિયમ સલ્ફેટ અને ૬૭ કિલોમ્યુરેટ ઓફ પોટાશ) વાવણી વખતે જમીનમાં ઓરીને આપવુ. વાવણી પછી ૩૦ થી ૪૫ દિવસે પિયત આપ્યા બાદ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે ૨૫ કિલો નાઈટ્રોજન (૫૪ કિલો યુરિયા) પુર્તિ ખાતર તરીકે આપવો. જમીનનાં પૃથ્થકરણ મુજબ ગંધકતત્વની ભલામણ કરવામાં અવોતો જીપ્સમના સ્વરૂપમાં આપવુ.
૪) વાવણીનો સમય અને અંતર
દરિયાનાં કાંઠાળ વિસ્તારમાં ફેબ્રુઆરીનાં બીજા અઠવાડિયામાં અને દુરના વિસ્તારમાં ફેબ્રુઆરીનાં ત્રીજા અઠવાડિયામાં ઉનાળુ તલનું વાવેતર કરવા ભલામણ છે. તલના ઉગાવા પર ઠંડીની માઠી અસર થાય છે. તલનાં ઉગાવા માટે ન્યુનતમ તાપમાન ૧૫°સે. થી વધારે હોવુ જોઈએ.
બે હાર વચ્ચે ૧૫ અથવા ૩૦ સે.મી. નું અંતર રાખી તલનું વાવેતર કરવું. તલનો દાણો જીણો હોય તેમાં જીણી રેતી ભેળવી ઓટોમેટીક વાવણીયા થી વાવેતર કરવું. તલ ઉગ્યા બાદ ૧૫ થી ૨૦ દિવસે બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખી પારવણી કરવી.
૫) બીજનો દર અને માવજત
એક હેકટરનાં વાવતેર માટે ૩.૦ કિલોગ્રામ બિયારણ વાપરવું. બીજને પાણીમાં આઠ કલાક પલાળી બાર કલાક છાયડામાં સુકવ્યા બાદ વાવેતર કરવાથી ઉગાવો સારો મળે છે. બીજ ને થાયરમ કે કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો. ત્યાર બાદ એઝોટોબેકટર અને ફોસ્ફો બેકટેરીયા કલ્ચર જેવા જૈવિક ખાતરની માવજત આપી વાવેતર કરવું.
અ) નિંદામણ અને આંતર ખેડ
જરૂરીયાત મુજબ બે થી ત્રણ નિંદામણ અને એકથી બે આંતર ખેડ કરવી. મજુરની અછત હોય તો નિંદામણનાશક દવા કવીઝાલોફોપઈથાઈલ ૦.૦૫ કિલો/હેકટર પ્રમાણે વાવણી બાદ ૧૫ દિવસે ઉગેલા નિંદામણ ઉપર છંટકાવ કરવો.
બ) પિયત
પ્રથમ પિયત તલનાં વાવેતર બાદ તરત આપવું. બીજુ પિયત સારા ઉગાવા માટે ૪-૬ દિવસમાં આપી દેવું. ત્યાર બાદનું પિયત છોડ ચાર પાંદડે થાય ત્યારે આપવું. પછી ના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસનાં અંતરે આપવા.
પાક સંરક્ષણ
ઉનાળુ તલમાં ચોમાસુ ઋતુની સરખામણી માં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછુ જોવા મળે છે.
તલની જીવાંતો અને તેનું નિયંત્રણ
ક્રમ | જીવાતનું નામ | નિયંત્રણ |
૧ | પાન વાળનારી/બૈઢા ખાનારી ઈયળ | પાકનાં વાવેતર પછી તુરત જ ખેતરમાં પ્રકાશ પીંજર ગોઠવવાથી ફુદાની વસ્તી કાબુમાં રહે છે.કિનાલફોસ ૨૫ ઇ.સી. ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મેળવી વાવેતર પછી ૩૦, ૪૫ અને ૬૦ એમ ત્રણ છંટકાવ કરવાથી સારુ નિયંત્રણ મળે છે.જૈવિક જંતુનાશક દવા જેવી કે બિવેરીયા બેઝીયાના ૫ ગ્રામ/લીટર અથવા લીંબોળીના મીંજનું ૫ % દ્રાવણ (૧૦ લીટર પાણીમાં ૫૦૦ ગ્રામ મીંજનો ભુકો)જીવાતનો ઉપદ્ર્વ શરૂ થયેથી ૧૫ દિવસના અંતરે ૩ છંટકાવ કરવા. |
૨ | ગાંઠીયા માખી | ચોમાસુ ઋતુમાં પાકનું મોડુ વાવેતર કરવાથી આ જીવાતનો ઉપદ્ર્વ વધુ જોવા મળે છે. જેથી તલનું મોડુ વાવેતર ટાળવુ.બીજુ કે પાકમાં કળીઓ બેસવાની શરૂઆત થાય એટલે મોનોક્રોટોફોસ ૩૬ એસ. એલ. ૧૦ મી.લી. અથવા કિનાલફોસ ૨૦ ઈ.સી. ૨૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૨૦ મી.લી. પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. |
૩ | પાન કથીરી | ખેતરની ફરતે આડશ ન હોય તેવુ ખેતર તલના વાવેતર માટે પસંદ કરવુ જેથી પવનની અવર જવર રહે અને પાનકથીરીનો ઉપદ્ર્વ ટાળી શકાય.આ જીવાતનાં નિયંત્રણ માટે જીવાતનો ઉપદ્વ શરુ થયા પછી ઈથીયોન ૫૦ ઈ.સી. ૨૦ મી.લી. અથવા દ્રાવ્ય ગંધક ૮૦ ટકા વે. પા. ૧૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો. |
૪ | ભૂતીયુ ફુદુ | ઓછો ઉપદ્ર્વ હોયતો ઈયળોનો હાથથી વીણી નાશ કરવો.પ્રકાશ પીંજર ગોઠવી ફુદાનો નાશ કરવોવધારે ઉપદ્ર્વ હોય તો સાઈપરમેથ્રીન ૦.૨૫% ભુકી હેકટરે ૨૦ કીલો મુજબ છાંટવી. |
૫ | ઉભડામાં લાગતા કાળા ભુરા ચુસીયા | ખેતરમાં ઉભડા કરવાની જગ્યાએ તથા ઉભડા ફરતે જમીન ઉપર સાઈપરમેથ્રીન ૦.૨૫ % ભુકીનો છંટકાવ કર્યા પછી જ તલના ઉભડા કરવા.ઉભડા ઉપર દવાનો છંટકાવ કરવો નહી. આમ કરવાથી જંતુનાશક દવા તલના દાણાં સાથે ભળતી અટકાવી શકાય.ગોડાઉનમાં જીવાતનો ઉપદ્ર્વ જણાયતો એલ્યુમીનીયમ ફોસ્ફાઈડ નામની દવાથી ધુમીકરણ કરવું. આ માટે ૫૦૦ કીલો તલના જથ્થા દીઠ ૫ ગ્રામનું એક પાઉચ પ્રમાણે દવા મુકી તાડપત્રીથી બરાબર ઢાંકી ગોડાઉનને હવા ચુસ્ત કરી અઠવાડીયા સુધી બંધ રાખવું. |
૬ | સફેદમાખી | ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. ૧૫ મી.લી., એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ, લીમડા આધારીત ૦.૧૫% એઝાડીરેકટીન વાળી દવા ૫૦ મી.લી. પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૦ દિવસ પછી કરવો. |
તલના રોગો અને તેનું નિયંત્રણ
ક્રમ | રોગનું નામ | નિયંત્રણ |
૧ | પાન/થડનો સુકારો | કોપર ઓકઝીકલોરાઈડ ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો. |
૨ | છોડનો સુકારો | જમીન જન્ય હોવાથી પાકની ફેરબદલી કરવી. થાયરમ દવા ૩ ગ્રામ/કિ. બીજ પ્રમાણે પટ આપવો. ઉનાળામાં ઉંડી ખેડ કરવી. |
૩ | મુળનો કોહવારો | રોગ મુકત બીજ વાવવું. થાયરમ દવા ૩ ગ્રામ/કિ. બીજ પ્રમાણે પટ આપવો. મેન્કોઝેબ ૭૫% વે.પા.૨૦ ગ્રામ અથવા કાર્બેન્ડેઝીમ ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા હેકઝાકોનેઝોલ ૫% પ્રવાહી ૧૦ મીલી દવા ૧૦ લી. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. |
૪ | સરકોસ્પોરા ફૂગથી થતો પાનના ટપકાંનો રોગ | થાયરમ દવા ૩ ગ્રામ/કિ. બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડેઝીમ ૫૦ વે.પા. ૧૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. |
૫ | અલ્ટરનેરીયા ફૂગથી થતો પાનના ટપકાંનો રોગ | મેન્કોઝેબ ૨૬ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં અથવા પ્રોપેકોનાઝોલ ૧૦ મી.લી. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો |
૬ | જીવાણુંથી થતો પાનના ટપકાંનો રોગ | એગ્રીમાઈસીન ૦.૦૨૫% + સેરેસાન ૦.૦૫% ના દ્રાવણમાં બીજને આઠ કલાક પલાળી સુકવીને વાવવા. સ્ટ્રેપ્ટોસાઈકલીન ૦.૫ ગ્રામ ૧૦ લી. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. |
૭ | પાનનો કોકરવા/ ગુચ્છપર્ણનો રોગ | તડતડીયાના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૨૦૦ એસ.એલ. ૪ મી.લી. અથવા ડાયમીથોએટ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. રોગીષ્ટ છોડને ઉપાડી નાશ કરવો. |
કાપણી
તલનો છોડ આખો પીળો દેખાય અને પાન પીળા થઈ ખરી પડે ત્યારે તલને વાઢી પુળા વાળી ઉભડા કરવા. ઉભડા સુકાઈ ગયા બાદ પુળા ઓને બુંગણમાં ઉધા કરી ખેરી લેવા. તલનાં દાણામાં ૮% થી ઓછો ભેજ રહે ત્યાં સુધી સુકવીને પછીજ સંગ્રહ કરવો.
નોંધ: જંતુનાશક દવાનો છટકાવ કરતા પહેલા નજિક ના કૃષિવિજ્ઞાન કેંદ્ર, કૃષિ યુનિવર્સિટી અથવા તો એગ્રી સેન્ટર થી જાણકારી મેળવી લેવી.